Thursday, February 10, 2011

ગઝલના છંદની સમજ

નમસ્કાર મિત્રો,
        ઘણા મિત્રો ગઝલ લખવા ઇચ્છે છે. ઘણા પોતાની સમજ પ્રમાણે લખીને કોઇ સારા ગઝલકારને બતાવે એટલે ગઝલકારશ્રીનો પ્રથમ પ્રતિભાવ મોટેભાગે આવો હોય છે કે, ‘ગઝલ સરસ છે, પણ છંદમાં નથી.’
આ સાંભળીને ગઝલ લખનાર મિત્રને છંદ શીખવાની તાલાવેલી જાગે છે અને છંદ વિશેના પુસ્તકો લઇ આવે છે પણ પુસ્તકોના આધારે છંદ શીખવાની મજા આવતી નથી. કોઇ ગઝલકારશ્રીના માર્ગદર્શન હેઠળ છંદ બહુ ઝડપથી શીખી શકાય છે. મને પણ ૧૯૯૦માં કવિશ્રી રમેશ પટેલે એક છંદ ‘રમલ’ વ્હાલપૂર્વક શીખવ્યો પછી મેં એ છંદમાં ઘણી ગઝલો રચી અને ત્યાર પછી ૧૯૯૨માં કવિશ્રી નયન દેસાઇ મળ્યા એમણે બીજા કેટલાક છંદોની સમજ આપીને મને ગઝલના ક્ષેત્રમાં સક્ષમ બનાવ્યો. ડૉ. રઇશ મનીઆરે છૂટના મુશ્કેલ નિયમો મને બહુ સાહજિક રીતે શીખવ્યા હતા. એટલે હવે ગઝલના છંદ વિશેની જેટલી સમજ મને  છે એટલી સમજ આ બ્લોગ પર આપવાનું નક્કી કર્યું છે. બીજા સિદ્ધહસ્ત ગઝલકારશ્રીઓનો પણ આમાં સહકાર પ્રાપ્ત થશે તો મને પણ નવું ઘણું શીખવા મળશે. અને હું અહીં બહુ જ સાદી રીતે સમજ આપવા નો પ્રયત્ન કરીશ. ગઝલમાં સરળતા અપેક્ષિત હોય છે તો એના છંદની સમજ પણ સરળ હોવી જોઇએ એમ હું માનું છું.
          ગઝલના છંદ પર જતાં પહેલાં ગઝલનું બંધારણ કેવું હોય છે એ સમજી લઇએ. દા.ત. મારી એક ગઝલ લઇએ..


ઘટમાં તોયે વટમાં જીવ્યા

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

       અહીં શરૂઆતની બે પંક્તિઓ ‘મત્લા’ કહેવાય જેમાં ઉપર–નીચેની પંક્તિઓનો પ્રાસ મળતો હોય છે. આ પ્રાસને જ ‘કાફિયા‘ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીં ‘ત્રાટક, વટ’ વગેરે. અને મત્લાની બંને પંક્તિઓ અને શે‘રની બીજી પંક્તિઓ પછી આવતું પદ ‘–માં જીવ્યા’ એને રદ્દીફ કહેવામાં આવે છે.
       મત્લા પછી આવે છે ‘શે‘ર’ શે‘રમાં મત્લાની જેમ બંને પંક્તિમાં પ્રાસ નથી હોતા પણ બીજી પંક્તિમાં જે પ્રાસ હોય છે એ મત્લાના પ્રાસને મખતો આવે છે. જેમ કે ‘ઘૂંઘટ’
ગઝલના અંતિમ શે‘રમાં જો ગઝલકારનું નામ કે તખલ્લુસ હોય તો એને મક્તાનો શે‘ર કહેવામાં આવે છે. 
દા. ત. ‘સારા–નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’
        જે આવે ગળામાં ઉલટથી એ ગાઇ જવામાં લિજજત છે.
જો કે અંતિમ શે‘રમાં નામ કે તખલ્લુ આવવું જ જોઇએ એવું ફરજિયાત નથી જેમ કે મારી ઉપરોક્ત ગઝલમાં એ નથી.
        ગઝલના બંધારણની આટલી વાત કર્યા પછી. લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરોની વાત કરી લઇએ.
તો બહુ સરળ છે કે ધારો કે બારાખડીમાંથી ‘ક’ની શ્રેણી જોઇએ તો ‘ક, કા, કિ...થી લઇને કઃ’ સુધી. અહી ક, કિ, કુ, કૃ વગેરે લઘુ અક્ષરો ગણાય અને એ સિવાયના ‘કા,કી, કૂ, કે, કો, કૈ, કૌ, કં, કઃ વગેરે’ ગુરુ અક્ષરો ગણાય.
        હવે આવીએ આપણે છંદ ઉપર. 
        સૌથી પહેલો છંદ આપણે લઇએ ‘મુતકારીબ’ 
માપ – લગાગા લગાગા લગાગા લગાગા
 જયાં ‘લ’ છે ત્યાં લઘુ અક્ષરો મૂકી શકાય અને ‘ગા’ છે ત્યાં ગુરુ અક્ષરો
જેમ કે –
        જુઓ આજ કેવો સમન્વય થયો છે!
        લગા ગાલ ગાગા લગાગા લગાગા
તો દોસ્તો, આ જ પંક્તિ ‘જુઓ આજ કેવો સમન્નેવય થયો છે’ –ને આગળ વધારીને ગઝલ થવા દો. હું હરહંમેશ તમારી સાથે છું. તમને મૂંઝવતા કોઇ પણ પ્રશ્નો હોય તો પૂછજો. મને ખ્યાલ હશે એટલું તો આપને જણાવીશ જ પણ જેનો મને ખ્યાલ નહિ હોય એ બીજા વિદ્વાન મિત્રોને પૂછીને પણ યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
                             –કિરણસિંહ ચૌહાણ

27 comments:

  1. સુંદર !

    શુભકામનાઓ....

    ReplyDelete
  2. કિરણભાઈ આ લઘુ ગુરુમાં સમજ ના પડી.. મતલબ સ્વર એ લઘુ કહેવાય અને વ્યંજન એ ગુરુ?

    ReplyDelete
  3. પ્રિય દોસ્ત મીત, લઘુ અક્ષર એટલે જે અક્ષર એકલો હોય તે. જેમ કે ક, ખ, ચ વગેરે. અને જે અક્ષરને હ્રસ્વ ઇ અથવા હ્રસ્વ ઉ લાગ્યો હોય તે. બધા સ્વરોને લઘુ ન ગણી શકાય માત્ર હ્રસ્વ સ્વરો જ લઘુ ગણાય.

    ReplyDelete
  4. આભાર સર.
    માહિતી ખુબ ઉપયોગી નીવડી.
    કિરણ સર એક ગુરુના સ્થાને બે લઘુ વાપરી શકાય?
    બીજું કે થડકારો લાગતો લઘુ અક્ષર અથવા જોડ્યો અક્ષરની પહેલાનો લઘુ ગુરુ બની શકે?

    ReplyDelete
  5. મોટું કામ હાથ પર લીધું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આપની પાઠશાળામાં હુંય શ્રી ગણેશ માંડું છું.

    જુઓ આજ કેવો સમન્વય થયો છે!
    ગઝલકાર પોતે જ પ્રત્યય થયો છે!

    ReplyDelete
  6. જી બિલકુલ. બે લઘુ મળીને એક ગુરુ થઇ જાય છે. ફારસી છંદોની આ જ વિશેષતાને કારણે ગઝલો આટલી સહજતાથી લખી શકાય છે.
    જોડાક્ષરમાં ધારો કે ‘પ્રત્યય’ શબ્દ છે તો પ્રત્ યય આમ ત્ ના થડકારને કારણે અહીં પ્ર ગુરુ થઇ ગયો. એટલે પ્રત્યય શબ્દ ‘ગાગા’ ગણાય.

    ReplyDelete
  7. આભાર પંચમભાઇ, સુંદર મત્લા થયો છે.

    ReplyDelete
  8. કિરણભાઈ ગુજરાતી ભાષાનું બહુ ઉમદા કાર્ય માથે ઉપાડ્યું છે. આપને ધન્યવાદ.
    અમારા જેવાને ઘણું શિખવા મળશે. લ્યો મારા તરફથી બે શેર...
    નહી કોઇ નક્કર પરિણામ આવે
    શરુઆતથી એક સંશય થયો છે

    મથે છે હવાઓ મને આંબવા પણ
    હવાનો હજી પણ પરાજય થયો છે

    ભુલચૂક હોય તો જણાવજો.

    ReplyDelete
  9. કિરણભાઈ ગુજરાતી ભાષાનું બહુ ઉમદા કાર્ય માથે ઉપાડ્યું છે.
    જાણે કવિતાનો એક વર્કશોપ-
    અમારા જેવાને ઘણું શિખવા મળશે, એમાં શંકા નથી.
    હું પણ એક શેર ઉમેરું-

    ધરી મૌન હોઠે અમે આજ બેઠા,
    અકારણ શબદ પર શું સંશય થયો છે ?
    -પ્રવિણ શાહ

    ReplyDelete
  10. સાહેબ આપે આપેલ માહિતિ નો યથાયોગ્ય ઉપયોગ કરવા માટે તત્પર છું,તો ઇશ ના નામ જોડે,તમારા આશીર્વાદ થી પ્રારંભ કરૂ છું....

    ReplyDelete
  11. ખુબ ખુબ આભાર!

    ReplyDelete
  12. ગઝલ પાછળ ગાંડોઘેલો થયો છુ એ રીતથી
    કે ભાન નથી મને હવે મને મારા અક્ષરોનું..

    - ખુબ જ સુંદર સમજ આપી છે આપે જો કે આપ શ્રી કિરણસિંહ ચૌહાણ સર હોય તો હું આ૫ના ફેસબુક પર મિત્ર છું અને મને ગઝલ લેખનની ખુબ જ તાલાવેલી જાગી છે... ૫ણ,

    ના કાફીયાનું ભાન છે ના છંદોનું જ્ઞાન છે
    ના ગૂરૂનું જ્ઞાન છે ના લઘુંની સમજ છે...

    પ્લીઝ સર મને કૃપા કરીને વઘારેથી વઘારે સમજાવશો તો આ૫નો આભારી થઇશ.. મને ૧ એકડે એક થી શીખવું છે...

    આભાર આ૫નો ચાહક દિપેશ ખેરડીયા

    ReplyDelete
  13. સાહેબ , આપ શ્રી ને પોતાની ગઝલ મોકલી શકાય ? જો હા તો ક્યાં ?

    ReplyDelete
  14. જુઓ આજ કેવો સમન્વય થયો છે!
    મારો ખુદથી અાજ પરિચય થયો છે!

    ReplyDelete
  15. જુઓ આજ કેવો સમન્વય થયો છે!
    મારો ખુદથી અાજ પરિચય થયો છે!

    ReplyDelete
  16. શું? આવું કોઈ વ્હાટ્સએપ ગ્રુપ ખરુ હોયતો મને પ્લીઝ એડકરવા વિનંતી 9722222450

    ReplyDelete
  17. ખુબજ સરળ ભાષામા તરતજ સમજ પડીજાય એવું વર્ણન....
    ખુબ ખુબ આભાર કિરણભાઈ.
    હરીશ વ્યાસ.

    ReplyDelete
  18. આભાર..! અહીં ઉપરોક્ત ઉદાહરણ માં લઘુ-ગુરુ માં સમજ ના પડી. અહીં બધા માં લગાગા જળવાય છે પરંતુ ‘સમન્વય’ શબ્દ માં 'સ' લઘુ છે 'મન્વય' માં ગાગા કેવી રીતે જળવાય એ સમજાવો.

    ReplyDelete
  19. ખૂબ સરસ, કિરણ ભાઈ.....

    અલ્લાહ ના ફઝલો કરમથી હું પણ એક ગઝલકાર બની ગયો છું....

    હું પણ આપની આપેલી પંક્તિ પર એક શેર પોસ્ટ કરવાની ઈચ્છા ધરાવું છું....

    પેશ કરું છું...

    જુઓ આજ કેવો ઉદય આ થયો છે,
    બધા દુશ્મનોનો પરાજય થયો છે.

    ReplyDelete
  20. કિરણ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મને ગઝલમાં વજન વિશે થોડોક પરિચય કરાવશો....

    ReplyDelete
  21. Replies
    1. અહીં બધા માં લગાગા જળવાય છે પરંતુ ‘સમન્વય’ શબ્દ માં 'સ' લઘુ છે 'મન્વય' માં ગાગા કેવી રીતે જળવાય એ સમજાવો.
      Reply

      Delete
    2. ન્વ જોડિયો અક્ષર છે એટલે એના લીધે એના આગળ નો શબ્દ એટલે મ ગુરુ થાય જાય અને વય સાથે જ બોલાય એટલે ગુરુ ગણાય.

      Delete
  22. સાહેબ ગઝલના છંદો નું બંધારણ માટે ની કોઈ માહિતી આપવા વિનંતી.
    જેમ કે ...
    મુતકારીબ નું બંધારણ શું ...?

    જેમ કે પૃથ્વી છંદમાં એનું બંધારણ

    u _ u u u _ u _ u u u _ u _ _ u _

    છે.
    જેમાં એનો ગણ છે - જસજસયલગા, અને ઉપર તેનું બંધારણ છે.

    એ મુજબ મુતકારીબ નું ગણ અને બંધારણ જણાવવા વિનંતી.

    ReplyDelete
  23. મારે પણ શીખવી છે ગઝલતો આપ સાહેબશ્રી મને શીખવશો.

    ReplyDelete
  24. ઇશ્કના બહુ ક્રૃર અંજામ જોયા,
    તે નકશો જોયો મેં ગામ જોયા,

    ઠીક છે આ છંદ

    મુળ અછાંદસ આમ છે:

    પ્રેમના અમેં કેટલાય કરૂણ અંજામ જોયા છે,
    તમે નકશો જ જોયો મેં ગામેગામ જોયા છે,

    પ્રેમના દર્દથી રાહત મળે એવું લખો 'જનાબ'
    આદિલ ઘાયલ થયા મરીઝ ને બેફામ જોયા છે,

    -સુરેશ કુકવાવા 'જનાબ'

    ReplyDelete
  25. ખૂબ સરસ સમજણ આપી
    આભાર

    ReplyDelete